આંબલીનું ઝાડ
આંબલીનું ઝાડ મોટું અને ફેલાયેલું હોય છે, જેથી તે અદ્દભુત છાંયડો પ્રદાન કરે છે. આંબલીનું ઝાડ 20 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ ધીમી ગતિથી વિકાસ પામે છે. આંબલીનું ઝાડ સુકા પ્રદેશ સિવાયના વિસ્તારમાં બારેમાસ લીલું રહે છે. આંબલીનું ઝાડ ઊંડા રેતાળ લોમવાળી જમીનમાં સારી રીતે ઊગે છે અને મર્યાદિત ખારાશ પણ સહન કરી શકે છે. આંબલીના ઝાડ માટે 70-200 સેમી જેટલો વાર્ષિક વરસાદ આદર્શ ગણાય છે. આ ઝાડ તંતુમય પલ્પથી ઘેરાયેલા બીજથી ભરેલા બીન જેવી શીંગો ઉત્પન્ન કરે છે.
1) થડ
આંબલીના ઝાડના થડનો રંગ છીંકણી જેવો હોય છે. આંબલીના ઝાડના થડનો વ્યાસ 1.5 - 2 મીટર જેટલો હોય છે. આ ઝાડ પરિપક્વ થતાં શાખાઓ એક જ કેન્દ્રીય ટ્રંકમાથી ઊતરી જાય છે. કેટલીક વાર ઝાડની ઘનતા અને ફળની લણણીમાં સરળતા લાવવા માટે કાપવામાં પણ આવે છે.
2) પાંદડા
આંબલીના ઝાડના પાંદડા લીલા રંગના હોય છે અને આ એક પાંદડું ઘણા બધા નાના પાંદડાના સમૂહથી બને છે. આ એક પાંદડુ 3-6 ઈંચની લાંબાઈ જેટલું હોય છે અને આ પાંદડાની અંદર 10-20 ની જોડીમાં 1/2 - 1 ઈંચ જેટલા નાના પાંદડા હોય છે. આંબલીના પાંદડામાં વિટામિન સી અને ટાર્ટરિક એસિડ હોય છે જેના લીધે સ્વાદમાં ખાટા લાગે છે. આંબલીના પાંદડા ખાઈ શકાય છે.
3) ફળ
આંબલીના ઝાડ પર ઓગસ્ટ - સપ્ટેમ્બર મહિના દરમિયાન ફળ આવે છે અને માર્ચ - એપ્રિલ મહિના સુધીમાં પાકે છે. આંબલીના ઝાડ પર થતા ફળને કાતરા કહેવાય છે અને જ્યારે તે પાકી જાય ત્યારે તેમાંથી આંબલી બને છે. કાતરા આછા લીલા રંગના હોય છે. કાતરા 10 સેમીની લંબાઈ જેટલા હોય છે. કાતરાને તોડવામાં આવે તો અંદરથી લંબાઈવાળા તાર અને તંતુમય નસો હોય છે. કાતરાની અંદરનો ગરબ લીલા રંગનો અને સ્વાદમાં ખાટો હોય છે. જેમ જેમ કાતરા પાકતા જાય તેમ તેમ તેની અંદરનો ગરબ રસદાર બને છે અને સ્વાદમાં ખાટા-મીઠા લાગે છે, જેમાંથી આંબલી બને છે. આ આંબલી એ ઉષ્ણકટિબંધીય ફળનો એક પ્રકાર છે. આંબલીનો રંગ છીંકણી હોય છે. આંબલીની અંદરથી પણ બીજ નીકળે છે, આ બીજને આંબીલો અથવા કચુકો કહેવાય છે. આ કચુકાનું ઉપરનું કવચ છીંકણી રંગનુ અને અંદરનો ભાગ સફેદ રંગનો હોય છે. આ કચુકો કાચો ખાવામાં આવે તો સ્વાદમાં કડચો લાગે છે, એટલે કચુકાને સેકીને તેની ઉપરનું કવચ દુર કરીને ખાવામાં આવે છે. આ કચુકો સખત હોય છે.
4) ફૂલ
આંબલીના ઝાડ પર મેં-જૂન મહિના દરમિયાન ફુલો આવે છે. આંબલીના ઝાડ પર આવતા ફુલોનો રંગ આછો પીળો - સફેદ, લાલ-ગુલાબી રંગના હોય છે. આ ફુલોને ખાઈ શકાય છે, સ્વાદમાં તે ખાટા લાગે છે. આ ફૂલો 2.5 સેમી જેટલા પહોળા, પાંચ પેટલેટેડ, નાના જાતિમાં જન્મેલા હોય છે. આ ફૂલો અસ્પષ્ટ આકારના હોય છે.
ઉપયોગો
- આંબલીના ઝાડના લાકડાનો ઉપયોગ સુથારકામમાં થાય છે.
- આંબલીનો ઘણી વાનગીઓમાં સ્વાદ તરીકે થાય છે જેમ કે દાળ-શાકમાં નાખવામાં આવે છે. આંબલીમાંથી ચટણી બનાવવામાં આવે છે.
- પીણા સ્વરૂપમાં આંબલીનો ઉપયોગ અતિસાર, કબજિયાત અને તાવ જેવી સારવાર માટે થાય છે.
- આંબલીમાં રહેલા પોલિફેનોલ્સમાં એન્ટીઓકસિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. આ હ્રદયરોગ, કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે.
- આંબલીમાં ફ્લેવોનોઇડસ જેવા પોલિફેનોલ્સમાં છે, જેમાંથી કેટલાક કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
- પાંદડાંનો સમૂહ પશુઓના ચારા માટે ઉપયોગમાં લેવાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below