ગૌરી વ્રત
ગૌરી વ્રત બાલિકાઓનું વ્રત છે. અષાઢ સુદ એકાદશીથી ગૌરી વ્રત શરૂ થાય છે અને અષાઢ મહિનાની પૂનમ સુધી ચાલે છે. આ વ્રતમાં માતા પાર્વતીજી અને ભગવાન શંકર તથા જવારાની પૂજા કરવામાં આવે છે. આ વ્રત પાંચ દિવસનું હોય છે, બાલિકાઓને આ વ્રતમાં મીઠા વગરનું મોળું જમવાનું હોય છે. એમાં પણ ધાન્ય એક જ સમયે એક જ જગ્યાએ બેસી એક જ વાર જમી શકે છે. બાકીના સમયમાં ભુખ લાગે તો સુકો મેવો અને ફળ ખાઈને દિવસ પસાર કરે છે. આ વ્રત દરમિયાન બાલિકાઓનું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે તેમને જે ખાવું હોય જે લેવું હોય તે લાવી આપવામાં આવે છે જેથી બાલિકા નિરાશ ના થાય. ગૌરી વ્રત દરમિયાન સ્કુલોમાં પણ છોકરીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવે છે. પછી બધી સખીઓ ભેગી થઈ ને ગામના મંદિરે, બાગ-બગીચામાં રમવા માટે જાય છે. કેટલીક જગ્યાએ બાલિકાઓ રસ્તા પર આવતા જતા મુસાફરોને રોકીને "ગોરમાં નો ટકો" એમ કહે છે, જેથી મુસાફરો બાલિકાઓને રૂપિયો- બે રૂપિયા આપીને ખુશ કરે છે. ગૌરી વ્રત પાચ વર્ષ, સાત વર્ષ એમ એકી સંખ્યામાં દર વર્ષે કરવામાં આવે છે. ગૌરી વ્રતને "ગોરયો" અને "મોળાકત" વ્રત પણ કહેવાય છે.
જવારાનું વાવેતર ક્યારે કરવામાં આવે છે?
અષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. અજવાળિયા બે રવિવારે ઉપવાસ પણ કરે છે, જેને દીતવાર કહે છે. બરાબર અષાઢની અજવાળી પાંચમે ગીત ગાય છે...
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો
મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે ... ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે ... વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો
એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘઉં, તલ ને મગ : એમ ચાર જાતના દાણા વાવે છે.
ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે ? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે.
દસમને દા'ડે કુમરિકા ડાટો કરે છે. ડાટો એટલે શું ? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયે પેટ ભરીને ખાઈ લે.
દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વાળીને કુમરિકાઓ નદીએ નહાવા જાય. જાય ત્યારે ય ગાતી જાય:
મગ મગ એવડા મોગરા રે
તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર ! આંબો મોર્યો.
ગામનો ગરાસિયો કૃષ્ણ કુમાર રે
પાઘડીમાં રાખે ફૂલ, મોરી સૈયર ! આંબો મોર્યો.
ગામની ગરાસણી ...... બારે
ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર ! આંબો મોર્યો.
પૂજા કેવી રીતે કરવામાં આવે છે?
બાલિકાઓ અષાઢ મહિનાની અગિયારસના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી ચોખ્ખા નવા વસ્ત્રો પહેરે છે. પછી માતા પાર્વતીજી અને ભગવાન શિવજીની પૂજા માટે થાળી તૈયાર કરે છે. પૂજાપાની થાળીમાં માતા પાર્વતીજી માટે રૂ માંથી કંકુનો ઉપયોગ કરી હાર અને ચુંદડી, ભગવાન શિવજી માટે હાર અને વાવેલા જુવારા માટે પણ હાર તૈયાર કરે છે. આ સિવાય થાળીમાં કંકુ, ચોખા, અબિલ, ગુલાલ, સોપારી, કમરકાંકડી, દીવો, અગરબત્તી, સોપારી નીચે મુકવા માટે 1 રૂપિયો, સુકો મેવો કાંતો ફળ, પાણીની લોટી જેમાં દુધ અને તુલસીનું પાન મુકે છે આ બધુ લઈને બ્રાહ્મણના ત્યાં અથવા શિવાલયમાં પૂજા કરવા માટે જાય છે. બ્રાહ્મણ પૂજા વિધિ અનુસાર પૂજા કરાવે છે અને બાલિકાઓ પૂજા કરે છે. ગોરમાનું ગીત પણ ગાય છે.
માતા પાર્વતીજી એ ભગવાન શંકરને મેળવવા માટે ગૌરી વ્રત કર્યું હતું, તેથી બાલિકાઓ પણ સારો વર અને ઘર મળે તે માટે શ્રધ્ધા પૂર્વક આ વ્રત કરે છે અને આ ગીત ગાય છે.
ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.
માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.
હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો.
ગોર્યમા ગોર્યમા રેસસરો દેજો સવાદિયા
તમે મારી ગોર્યમા છો !
ગોર્યમા ગોર્યમા રે
સાસુ દેજો ભુખાળવાં - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
કંથ દેજો કહ્યાગરો. - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
નણંદ દેજો સાહેલડી. - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
દેરાણી જેઠાણીનાં જોડલાં. - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
દેર ને જેઠ બે ઘોડલે. - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
ભગર ભેંસના દૂઝણાં - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
કાઠા તે ઘઉંની રોટલી - તમે મારી
ગોર્યમા ગોર્યમા રે
મહીં રે માળવિયો ગોળ રે. - તમે મારી
ઉપવાસમાં શું જમવામાં આવે છે?
ગૌરી વ્રત દરમિયાન બાલિકાઓ જમવામાં મીઠા વગરનું મોળું જમે છે. જમવામાં બને ત્યાં સુધી ચોખા કે ઘઉં લેતા નથી અને જો ખાતા હોય તો એક જ સમયે એક જ જગ્યાએ બેસીને ખાઈ લે છે પછી બીજી વાર જમવામાં ધાન્ય ના લઈ શકે. બીજી બાલિકાઓ ખાવામાં દૂધ, ફળો કે મીઠા વગરની ફરાળી વાનગીઓ જેમ કે પેંડા, રાજગરાની સેવ, સુકો મેવો, ફરારી ચેવડો, રેવડી વગેરે ખાઈ શકે.
ઉજવણી કેવી રીતે કરે છે?
આમ તો ગૌરીવ્રતમાં રોજ સવારે એક જ વાર પૂજા કરવા માટે બાલિકાઓ બ્રાહ્મણના ઘરે કે શિવાલયમાં જાય છે પણ પાંચમાં દિવસે સાંજે સ્નાન કરી નવા વસ્ત્રો પહેરી પૂજા કરવા માટે જાય છે. પછી આ રાત્રે 12 વાગ્યા સુધી બધી સખીઓ ભેગી થઈ જાગરણ કરે છે. જાગરણમાં બધી સખીઓ રમત રમે છે જેમ કે ચોપાટ, મરઘીના ઈંડા, નદી પર્વત વગેરે. બીજા દિવસે વહેલા ઉઠી જવારા નદી કે તળાવમાં પધરાવી દે છે.
ગૌરીવ્રતમાં જ્યારે બાલિકાઓ વ્રત પૂરા કરે છે ત્યારે છેલ્લા વ્રતના છેલ્લા દિવસે કે એના પછીના દિવસે પાંચ કુંવાશીઓ કે જે ગૌરીવ્રત કરતા હોય તેમને પોતાના ઘરે જમવા માટે બોલાવે છે, જમ્યા પહેલા બધી બાલિકાઓને કંકુનો ચાંલ્લો કરી ચોખા લગાવે છે અને પછી જમવા માટે કહે છે. જમ્યા પછી બાલિકાઓને ખુશ કરવા માટે રૂપિયો-સોપારી, હાથરૂમાલ, ચાંદલાનું પેકેટ, નેલપૉલિશ વગેરે જેવી ભેટ આપે છે, આમ બિલિકાનું ગૌરીવ્રત પૂર્ણ થાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below