બીલીપત્ર નું ઝાડ /બીલી
બીલીપત્ર ના ઝાડને બીલીનું ઝાડ પણ કહેવાય છે. આ ઝાડ 7-8 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે. ભારતમાં આ ઝાડને પવિત્ર મનાય છે. આ ઝાડને ભગવાન શિવજીનું પ્રિય માનવામાં આવે છે. શિવાલયોમાં આ ઝાડ અવશ્ય જોવા મળે છે. આ ઝાડ પાનખર છે જે પોતાના પાંદડાં ખેરવી નાખે છે. આ ઝાડ પર ક્યારેય ફૂલ આવતાં નથી સીધા ફળ જ બેસે છે. આ ઝાડ ઘણું મોટું થાય છે પરંતુ તેનો વિકાસ ધીમો થાય છે.
આ ઝાડનું વૈજ્ઞાનિક નામ એગલ મામાૅલોસ છે. બીલીને બંગાળમાં બેલા, ગુજરાતીમાં બીલી અથવા બીલીપત્ર, હિન્દીમાં બેલ, કન્નડમાં બેલાપત્ર, મરાઠીમાં બેઈલા, સંસ્કૃતમાં બીલ્વ, તમિલ અને મલયાલમમાં વીલ્વામ અને તેલુગુમાં મોરેડું કહેવાય છે. પરંતુ આ ઝાડનું મૂળ વતન ભારત છે.
જમીન
કોઈપણ પ્રકારની જમીનમાં બીલી સારી રીતે થઈ શકે છે, પરંતુ ભારે કાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ નથી. ઢોળાવવાળી અને પથરાળ જમીનમાં પણ બીલી સારી રીતે ઊગે છે.
વાતાવરણ
આ ઝાડને મધ્યમ શિયાળો અને ઉનાળો એટલે કે થોડું સુકું હવામાન વધુ અનુકૂળ આવે છે.
પિયત
બીલીના છોડને શરૂઆતમાં 2 વર્ષ નિયમિત પાણી આપવું જોઇએ જેથી જમીનમાં તેના મૂળ સરખા બેસી જાય. ત્યારબાદ ક્યારેય ક્યારેક પાણી આપીયે તો ચાલે.
બીલીપત્રના પ્રકાર
બીલીપત્ર ચાર પ્રકારના હોય છે.
1) અખંડ બીલીપત્ર
લક્ષ્મી પ્રાપ્તિ અને સિધ્ધિ માટે અખંડ બીલીપત્ર ઉત્તમ છે. એકમુખી રુદ્રાક્ષની જેમ અખંડ બીલીપત્રનું મહત્ત્વ છે, આ વાસ્તુદોષ નિવારણમાં પણ મદદ કરતું હોવાનું માનવામાં આવે છે.
2) ત્રણ પાનવાળું બીલીપત્ર
આ બીલીપત્ર ચઢાવવાથી ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે.
3)છ થી એકવીસ પાનવાળા બીલીપત્ર
આ પાન ધરાવતા બીલીપત્ર નેપાળમાં વધારે જોવા મળે છે, ભારતમાં ભાગ્યેક ક્યાંક જોવા મળે છે.
4)શ્વેત બીલીપત્ર
આ બીલીપત્ર કુદરતની અનોખી ભેટ છે. આ વૃક્ષ પર બીલીના પાન લીલા નહીં પણ સફેદ આવે છે.
1) થડ
આ ઝાડની ડાળીઓ કાંટાળી અને થડની છાલ ખાંચાવાળુ હોય છે. થડ છીંકણી રંગનું હોય છે.
2)પાંદડાં
પાંદડાં ત્રિપણીૅ હોય છે એટલે કે હંમેશા ત્રણના સમુહમાં જ ઊગે છે. પાંદડાનો રંગ લીલો હોય છે. પાંદડાને ભગવાન શિવજીનો ખોરાક ગણવામાં આવે છે. બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સુચન કરે છે. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. આ સિવાય ભગવાન શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે.
3)ફળ
આ ફળને બીલાના નામથી ઓળખવામાં આવે છે. બીલા કાચા હોય ત્યારે લીલા રંગના અને પછી લીલામાંથી બદલાઈને પીળો કે બદામી થાય છે, આ સમયે બીલા ઉતારવામાં આવે છે. ફળ એપ્રિલ મહિનામાં આવતા હોય છે. આ ફળ જમરૂખ જેવા આકારના હોય છે. બીલામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગનેશિયમ હોય છે. બીલીના કૂમળા ફળ સ્વાદમાં કડવા અને તુરા હોય છે. પાકાં બીલાં ગળ્યા લાગે છે.
કથા
એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે.
જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બીલી" રાખ્યું.
માન્યતા
એવું માનવામાં આવે છે કે બીલીઝાડના મૂળમાં ભગવાન શિવજીનો વાસ છે, માટે તેના કયારાને પાણીથી ભરપૂર રાખવો જોઈએ. આ વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીવો પ્રગવવો.
બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. આથી બીલી પત્રોનો મહિમા બહુ જ મોટો છે.
- બીલી પત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે.
- બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.
- બીલી વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે.
- આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે.
- આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે.
- ફળમાં કાત્યાયનીનો વાસ છે.
- આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે.
- આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે.
- બીલી વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે.
- આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.
બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું. શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી. ચતુર્થી, અષ્ટમી,નવમી,ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી. કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે.
બિલી પત્ર તોડવાનો મંત્ર
अमृतोद्भव श्रीवृक्ष महादेवप्रियःसदा।
गृह्यामि तव पत्राणि शिवपूजार्थमादरात्॥ -(આચારેન્દુ)
અર્થ- અમૃતમાં ઉત્પન્ન સૌંદર્ય અને ઐશ્વર્યપૂર્ણ વૃક્ષ મહાદેવને ખૂબજ પ્રિય છે. ભગવાન શિવની પૂજા માટે હે વૃક્ષ હું તમારાં પત્ર તોડું છું.
ક્યારે તોડવાં બિલી પત્ર?
अमारिक्तासु संक्रान्त्यामष्टम्यामिन्दुवासरे ।
बिल्वपत्रं न च छिन्द्याच्छिन्द्याच्चेन्नरकं व्रजेत ॥(લિંગપુરાણ)
અર્થ- અમાસ, સંક્રાંતિ, ચતુર્થી, આઠમ, નોમ અને ચૌદશની તિથિઓ અને સોમવારે બિલી પત્ર ન તોડવાં જોઇએ.
ઉપયોગ
- બીલીના ઝાડની તાસીર ઠંડી હોય છે તેથી તે ગરમીથી બચાવમાં મદદ કરે છે.
- બીલામાંથી શરબત બનાવામાં આવે છે, જે પીવાથી આંખોનું તેજ વધે છે, પેટમાં થયેલા કૃમિ દુર થાય છે અને લોહી વધારવામાં મદદ કરે છે.
- બીલીનો ગર્ભ ઝાડામાં પડતા લોહીને અટકાવે છે. આ માટે બીલીનો ગર્ભ, શતાવરી અને કડાછાલ સરખા વજને લઈ ચૂર્ણ બનાવવું અને આ અડધી ચમચી જેટલું ચૂર્ણ ઇસબગુલ સાથે દિવસમાં ત્રણ વાર પીવું
- બીલીના પાનને સ્વચ્છ કરી, વાટી તેનો રસ કાઢી લેવો અને સવાર- સાંજ એકથી બે ચમચી જેટલો રસ પીવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે.
- બીલીના મૂળને પાણીમાં ઉકાળી, આ પાણીમાં રોજ સવારે બેસવાથી હરસની સમસ્યા દૂર થાય છે.
- બિલિના ફળના માવામાં થોડી કાળી મરી અને મીઠુ ઉમેરો. આવુ રોજ કરવાથી તમારા આંતરડામાંથી ઝેરી તત્વો શરીરની બહાર ફેંકાઈ જશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below