હોળી
હોળી હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારને રંગોના તહેવાર તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 'હુતાસણી' થી પણ ઓળખાય છે.
આ તહેવારના પહેલા દિવસને 'હોળી' અને બીજા દિવસને 'ધૂળેટી' કહેવાય છે.
હોળી ફાગણ માસના પૂનમનાં દિવસે મનાવાય છે. આ દિવસે સાંજે ગામના પાદરે કે ચોકમાં લોકો મળીને છાણા કે લાકડાંની હોળી બનાવે છે. ત્યારબાદ બધા લોકો હોળી પ્રગટાવે છે. લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે અને પવિત્ર મનાતી વસ્તુ શ્રીફળથી તેનું પૂજન કરે છે. તેમજ લોકો ધાણી, ખજૂર, ચણા અને મમરા જેવી વસ્તુઓ પણ હોમે છે. ગાય-ભેંસ રાખતા લોકો પૂરા(ગાય-ભેંસને ખાવાનો ચારો)ને અગ્નિમાં થોડો અડાડે છે અને ઘરે જઈને ગાય-ભેંસ ને ખવડાવે છે(લોકોની એવી માન્યતા છે કે આનાથી ગાય-ભેંસ બીમાર થતા નથી) . ભારતમાં વિવિધ પ્રાંત અને સમુદાયમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે થાય છે પરંતુ બધાની ભાવના હોળી પ્રગટાવી અસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિનુ સન્માન કરવું એવો છે. આ તહેવાર સાથે 'હોલિકા' અને 'પ્રહલાદ' ની કથા જોડાયેલી છે.
હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ દિવસે નાના-મોટા એકબીજા પર અબીલ, ગુલાલ અને કેસુડાનું પાણી છાંટીને આનંદ કરે છે. જોકે હવે લોકો રાસાયણિક રંગોનો પણ ઉપયોગ કરે છે પરંતુ બને ત્યાં સુધી આવા રંગોનો ઉપયોગ ના કરવો જોઈએ. નાના બાળકો પીચકારીમાં કલરનું પાણી ભરી એકબીજા પર છાંટીને આનંદ કરે છે. કેટલાક છોકરાઓ નાની પ્લાસ્ટિકની બેગ અને ફુગ્ગામાં કલર ભરી એકબીજાને મારીને ઉત્સાહ કરે છે. ગામડામાં આજુબાજુ વારા કે સગાવહાલાઓ પરણીને આવેલી નવી વહૂને રંગોથી રમાડે છે અરે ગોબર અને તાવડી પર જમા થતી કાળી મેશનો પણ ઉપયોગ કરે છે.
ઇતિહાસ
કથા
હોળી સાથે એક જૂની કથા જોડાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણીથી, અસ્ત્ર કે શસ્ત્ર થી કશાથી એમનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે અમર બની ગયો અને તેને મારવો લગભગ અસંભવ થઈ ગયુ. આથી તે અત્યાચારી અને અભિમાની બની ગયો. સ્વગૅ અને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો. તેમને ઈશ્ર્વરની પૂજા કરાવવાનું બંધ કર્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
હિરણ્યકશિપુ ને પ્રહલાદ નામનો એક પુત્ર હતો જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને પણ કેટલાક પ્રલોભનો અને ડર બતાવીને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગયો નહીં અને પોતાની ભક્તિ ચાલું રાખી. હિરણ્યકશિપુની બહેન હોલિકા પાસે એક ઓઢણી હતી જેને ધારણ કરવાથી અગ્નિ પણ તેને બાળી શકે નહીં. તો હિરણ્યકશિપુએ પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરિક્ષા આપવાનો આદેશ આપ્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવવામાં આવી તો બન્યુ એવું કે ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડીને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનુ દહન થયુ અને આ ઘટના હોળી ઉત્સવ નું કારણ બની.
પછી ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો તેની કથા આવે છે. જેમાં વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી(જેમાં ભગવાન નુ અડધું શરીર મનુષ્યનુ અને અડધું સિંહનુ છે) બરાબર સંધ્યા સમયે, ઘરના ઉંબરા વચ્ચે, પોતાના ખોળામાં પાડીને, પોતાના નંખ દ્વારા ચીરી હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શકિતઓ ના વિજયનું આ પવૅ છે.
પરંપરા
કેટલાક વિસ્તારોમાં હોળીના બીજા દિવસ ધૂળેટીને પડવો કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો', 'ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ હોય છે , ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
If you have any query and suggetion, fill free to write in comment section below